GPSCમાં ઉંમરની છૂટ મેળવનારા અનામતના ઉમેદવારોને જનરલમાં લાભ નહીં: HC
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના માર્ગદર્શક આદેશમાં ઠરાવ્યું છે કે, જો અનામત કેટેગરીના ઉમેદવારે નોકરી માટેનું ફોર્મ ભરતા અનામત કેટેગરીને મળતી ઉંમરનો બાદ મેળવ્યો હોય તો તેમની પસંદગી જનરલ કેટેગરીમાં ન થઈ શકે.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એમ. આર. શાહ અને જસ્ટીસ જી. આર. ઉજવાણીની ખંડપીઠે નોંધ્યું હતું કે, ઉંમરનો બાદ મેળવનાર અનામત કેટેગરીના ઉમેદવાર જનરલ કેટેગરીમાં નોકરી મેળવવા દાવો ન કરી શકે.
જનરલ કેટેગરીના ઉમેદવારોને હાઈકોર્ટની મોટી રાહત
આમ હાઈકોર્ટે રાજ્ય સરકારના નિયમને તેમને યોગ્ય લેખાવ્યો હતો આ હુકમના કારણે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી ભરતીમાં ડેપ્યુટી મામલતદાર, સિવિલ સેક્શન ઓફિસરની ભરતીમાં 91 જેટલા જનરલ કેટેગરીના ઉમેદવારોને સીધી રાહત મળી છે.
નોંધનીય છે કે, આ પરીક્ષામાં જનરલ કેટેગરી જેટલા જ માર્ક મેળવનાર અનામત કેટેગરીના ઉમેદવારોએ તેમની ભરતી જનરલ કેટેગરીમાં થવી જોઈએ તેવી દાદ માંગી હતી. અગાઉ હાઈકોર્ટના જસ્ટીસે આ માંગણી યોગ્ય હોવાનું ઠરાવ્યું હતું. જોકે, જીપીએસસીએ તે હુકમને ડિવિઝન બેન્ચ સમક્ષ પડકારતા આજે હાઈકોર્ટે સિંગલ જજના હુકમને રદ કરીને જીપીએસસીનું પગલું યોગ્ય હોવાનું જણાવ્યું હતુ.
જીપીએસસી તરફે એડવોકેટ દિપક શુક્લાએ જણાવ્યું હતું કે, અગાઉના હુકમમાં ગુજરાત સરકારની 1986ની પોલિસી ધ્યાનમાં લેવાઈ ન હતી. તેમજ પાસ થયેલા 91 જનરલ કેટેગરીન ઉમેદવારનોને પણ સાંભળવામાં આવ્યા ન હતા.