આજે વિશ્વ માતૃભાષા દિવસ
ગુજરાતી ભાષાના હજારો શબ્દો લુપ્ત થઇ ગયા
અંગ્રેજી ભાષાનો વધતો પ્રભાવ ચિંતાનું કારણ ગુજરાતી પરિવારોમાં બોલાતી રોજિંદી ભાષામાં પણ ૪૦ ટકા અંગ્રેજી શબ્દો ઘૂસી ગયા

૨૧ ફેબુ્રઆરીએ વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.ત્યારે વૈશ્વીકરણના આ જમાનામાં કોઇ દેશ, રાજ્ય કે ધર્મની માતૃભાષા ટકી રહે તેમજ તેનું મહત્વ જળવાઇ રહે તેવા મુખ્ય પ્રયાસો હાથ ધરવાનું આહ્વાહન કરતો આ દિવસ છે.ત્યારે નવાઇની વાત તો એ છે વિશ્વની એવી કેટલીયે ભાષાઓ છે કે જે તેનું અસ્તીત્વ જ ખોઇ બેઠી છે કે તેના અસ્તીત્વ સામે ઝઝૂમી રહી છે.ગુજરાતી ભાષા પણ હાલ આવા જ તબક્કામાંથી પસાર થઇ રહી છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી ભાષાના હજારો શબ્દો સંપૂર્ણ લૃપ્ત થઇ ગયા છે.જે હાલ ચલણમાં જ નથી કે તેનો સાચો અર્થ લગભગ કોઇને ખબર પણ નહી હોય. બીજી બાજુ આજની પેઢીના ભણતરમાં અંગ્રેજી માધ્યમના વધેલા ક્રેઝ વચ્ચે ગુજરાતી માધ્યમની શાળાઓની સ્થિતિ દિનપ્રતિદિન દયનીય બનતી જતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
અંગ્રેજી ભાષાના વધતા ક્રેઝ વચ્ચે ગુજરાતી ભાષા ભણવા અને શિખવામાં હવે ગુજરાતીઓનો રસ ક્રમશઃ ઓછો થઇ રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.આજકાલ ગામડાઓમાં પણ બોલાતી ગુજરાતી ભાષામાં ૨૦ ટકા અંગ્રેજી શબ્દો તેમજ શહેરી વિસ્તારોમાં લગભગ ૪૦ ટકા શબ્દો અંગ્રેજીમાં જ બોલાતા અને સંભળાતા હોય છે.જેમાંના મોટાભાગના શબ્દોનો ગુજરાતી અર્થ જ કોઇને ખબર રહ્યો નથી.જે ધીમે ધીમે કરીને લૃપ્ત થવાની દિશામાં આગળ વધી રહ્યા છે.બાળક તેની માતૃભાષા સૌપ્રથમ જ્યાંથી શીખવાનું શરૃ કરે છે ઘર કે પ્રાથમિક શાળામાં તેને સાચુ અને શુદ્ધ ગુજરાતી શીખવવામાં જ આવતું ન હોવાથી બાળકના પાયાના શિક્ષણમાં જ કચાસ રહી જતી હોવાનો મત કેટલાક શિક્ષણક્ષેત્રે સંકળાયેલા લોકોનું માનવું છે.જે ભવિષ્યમાં ગુજરાતી ભાષાના અસ્તીત્વ માટે મુશ્કેલી ઉભું કરનારુ નીવડે તેવી શક્યતા છે.નોંધપાત્ર છે કે ભારતભરમાં પહેલા સંસ્કૃત ભાષાનું ભારે ચલણ હતું હાલ સ્થિતિ એ છે કે સંસ્કૃત ભાષા જાણનાર અને બોલનાર લોકોની સંખ્યા ખૂબજ ઓછી રહી જવા પામી છે.
ગુજરાતી ભાષાના લૃપ્ત થઇ ગયેલા કેટલાક શબ્દો અને તેનો અર્થ
| શબ્દ | અર્થ |
| ટાપુવો | રોટલો |
| જેદર | ઘેટું |
| જુગાઇ | ચતુરાઇ |
| ઠોબારી | ઠોઠ |
| છન્ન | ઢંકાયેલું |
| ગેસાળી | ધૂળ |
| જાંબૂનદ | સોનું |
| ગંડૂષ | કોગળો |
| કલિંગ | પક્ષી |
| ગુલ્ફ | ઢીંચણ |
| ગોકીલ | હળ |
| ઝષ | માછલું |
| ડોહ | ધરો |
| ખંજ | લંગડો |
| ઝડાફો | ઝઘડો |
| ડોડ | રીસ |
| ઝૂપી | ચિતા |
| તંનૂર | ચૂલો |
| ઢેસરો | પોદળો |
| તરો | માર્ગ |
| તબક | રકાબી |
| તલમીજ | શિષ્ય |
| તરઘટ | ઉમરો |
| તાક | છાસ |
| તુરિ | ઘોડો |
| તુબરત | કબર |
| દગડ | પથ્થર |
| તરફોડો | છણકો |
| દુરિત | પાપી |
| દંડક | નર્મદા |
| તાજિર | વેપારી |
| દળવાદળ | સૈન્ય |
| દત્ત | આપેલું |
| દામિની | વિજળી |
| તડાગ | તળાવ |
| દ્રિરદ | હાથી |
| તરોપો | નાળિયેર |
| દુમચી | અફિણ |
| ધદ | પતિ |
| ધી | દીકરી |
| પૂંવરો | દીકરો |
| થાંદલો | ફાંદ |
| ધૂંશ | તડકો |
| ખાપોશ | પગરખું |
| પાસિયું | દાતરડું |
| પાંજણ | બંધાણ |
| પાસલો | જાળ |
| પૈ | પૈડું |
| નફર | ગુલામ |
| પ્રાચિ | પૂર્વદિશા |
| પ્રાવૃષ | ચોમાસું |
| ધમ | નગારૃ |
| પ્લવંગ | વાંદરો |
| નકો | નાક |
| નહાર | દિવસ |
| પનાઇ | હોડી |
| પારાપત | કબૂતર |
| પુરારિ | શિવ |
| પૂગીફળ | સોપારી |
| પ્રયા | પરબ |