અમીરોના લિસ્ટમાં મોટો ફેરફાર ઈતિહાસમાં કયારેય નથી આવ્યો
BUSINESS: વિશ્વના અમીરોની યાદીમાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી છે. લાંબા સમયથી ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિની ગાદી પર હતા, પરંતુ સોમવારે તેમને મોટો આંચકો લાગ્યો છે. તેની નેટવર્થમાં $17.6 બિલિયનનો ઘટાડો થયો અને તે બીજા સ્થાને સરકી ગયો.
એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ તેને પછાડીને નંબર વન પર પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, બેઝોસ $200 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે,
જ્યારે એલોન મસ્ક $198 બિલિયનની નેટવર્થ સાથે બીજા સ્થાને સરકી ગયા છે. આ વર્ષે બેઝોસની નેટવર્થમાં $23.4 બિલિયનનો વધારો થયો છે, જ્યારે મસ્કની નેટવર્થમાં $31.3 બિલિયનનો ઘટાડો થયો છે. મસ્કે મે 2023માં LVMH CEO અને ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને હરાવીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. ટેસ્લાના શેર સોમવારે સાત ટકાથી વધુ ઘટ્યા હતા.
આર્નોલ્ટ હાલમાં 197 અબજ ડોલરની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં ત્રીજા સ્થાને છે. સોમવારે, તેમની નેટવર્થમાં $1.84 બિલિયનનો ઘટાડો થયો હતો. જો કે, આ વર્ષે તેની નેટવર્થ $18.3 બિલિયન વધી છે.
ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગ 179 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ચોથા સ્થાને યથાવત છે. આ વર્ષે તેની નેટવર્થમાં સૌથી વધુ $50.7 બિલિયનનો વધારો થયો છે. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ આ યાદીમાં 150 અબજ ડોલર સાથે પાંચમા સ્થાને છે. આ વર્ષે તેની નેટવર્થ $8.88 બિલિયન વધી છે.
વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં નવ અમેરિકાના છે. સ્ટીવ બાલ્મર આ યાદીમાં 143 અબજ ડોલર સાથે છઠ્ઠા સ્થાને છે. અમેરિકાના સુપ્રસિદ્ધ રોકાણકાર વોરેન બફે $133 બિલિયન સાથે સાતમા સ્થાને છે. લેરી એલિસન ($129 બિલિયન) આઠમા, લેરી પેજ ($122 બિલિયન) નવમા અને સેર્ગેઈ બ્રિન ($116 બિલિયન) દસમા ક્રમે છે.
અંબાણી અને અદાણી.
ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી 115 બિલિયન ડોલર સાથે આ યાદીમાં 11મા નંબરે છે. સોમવારે તેમની નેટવર્થમાં $1.24 બિલિયનનો વધારો થયો છે. આ વર્ષે તેની નેટવર્થ $18.2 બિલિયન વધી છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી $104 બિલિયનની નેટવર્થ સાથે અંબાણી કરતાં એક સ્થાન નીચે 12મા ક્રમે છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં $19.2 બિલિયનનો વધારો થયો છે.