ગુજરાત સરકારની રોજગાર કચેરીઓમાં ઘણા સમયથી ૧૧ માસના કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે. તેમજ નિમણૂક થયા બાદ તેને કરાર રીન્યુ કરવામાં આવે છે. ૧૧ મહિના પછી કર્મચારીનો કરાર પૂર્ણ થતા કર્મચારીને છુટા કરવામાં આવે છે તેમજ ફરીથી તેની પુનઃ નિમણૂક કરવામાં આવે છે. ઘણી વખત કર્મચારીને એક અઠવાડિયું તો કોઈ વખત એક મહિના કરતાં પણ વધુ સમય ઘરે બેસવું પડે છે.
આખા ગુજરાતમાં તમામ રોજગાર કચેરીઓમાં કરાર આધારિત કર્મચારીઓને સમયસર પગાર થતા નથી તેમજ પગાર થાય તો પણ એમાં વર્ષ 2014-15 થી ચાલતા આ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતા કરાર આધારિત કર્મચારીઓના 2014માં ₹.20,000 પગારથી જોડાયા હતા ત્યારથી લઇ અત્યારસુધી પગારમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી. અત્યારે 2023નું વર્ષ શરૂ થયું હોઈ મોંઘવારીએ માઝા મૂકી છતાં પણ હજુ એ જ પગાર માં કાર્ય કરી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં માંગણીને ધ્યાનમાં લેવામાં આવતી નથી.
કરાર રીન્યુ કરવાની આ પરિસ્થિતિ તેમજ પગાર વધારાના કોઈ નીતિનિયમ ન હોવાથી તમામ કરાર આધારિત કર્મચારી કોર્ટનો આશરો લેવા મજબૂર બન્યા છે. કોર્ટે વચગાળાના હુકમ / આદેશ આપી છુટા નહીં કરવા તેમજ જે સ્થિતિ છે તે જાળવી રાખવા જણાવ્યું હોવા છતા તમામ કરાર આધારિત કર્મચારીને ૧૧ માસ નો કરાર પૂર્ણ થતાં છૂટા કરવામાં આવે છે તેમજ પુનઃ નિમણૂક આપવામાં વિલંબ કરવામાં આવે છે. આ સમય દરમિયાન રોજગારી આપનાર રોજગાર કચેરીના કર્મચારીઓ ખુદ રોજગારની શોધ કરતા હોય છે. સરકાર દ્વારા આવી સ્થિતિને પહોંચી વળવા યોગ્ય પ્રયાસ થાય તો તેઓ સન્માન ભર્યું જીવન જીવી શકે.