ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૧૧૦૦૦ પગથિયા છે.
ગરવા ગઢ ગિરનારથી (Girnar) ભાગ્યે જ કોઈ વ્યક્તિ અજાણ હશે! જૂનાગઢ નજીક સ્થિત ગુજરાતના સૌથી મોટા પર્વત તરીકેની ખ્યાતિ ધરાવતાં ગિરનાર પર્વત ફરતે કારતક મહિનામાં લીલી પરિક્રમાનું (Lili Parikrama) આયોજન થાય છે. જેમાં દૂરદૂરથી અનેક શ્રદ્ધાળુઓ ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ આવે છે, ત્યારે આજે આપણે જાણીશું કે,
ગિરનારની પરિક્રમાનો ઇતિહાસ
ગિરનારની પરિક્રમા ક્યારે કરવામાં આવે છે?
ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.
ગિરનારની પરિક્રમાનો રૂટ / રસ્તો
ગિરનારની પરિક્રમા શા માટે કરવામાં આવે છે?
એક લોકવાયકા પ્રમાણે; પ્રાચીન સમયમાં પર્વતોને પાંખો હતી, કેટલાક પર્વતો ઉડીને ઘણાં નિર્દોષ પ્રાણીઓનો નાશ કરતા. ભગવાન વિષ્ણુએ ઇન્દ્ર દેવને આજ્ઞા કરી કે, આપ બધા પર્વતોની પાંખો કાપી નાખો! ત્યારે ઇન્દ્ર પોતાના વજ્રથી બધા પર્વતોની પાંખો કાપવા લાગ્યાં. જેના ભયથી ગિરી એટલે કે ગિરનાર ઉડીને સમુદ્રમાં છુપાઈ ગયો.
ત્યારે માતા પાર્વતીના આગ્રહથી ભગવાન શિવજી અને ભગવાન વિષ્ણુ ગિરિનારાયણને શોધવા ગયા. શોધતા શોધતાં માલુમ પડ્યું કે, ગિરિ સમુદ્રમાં છે, ત્યારે દેવતાઓએ સમુદ્રને પ્રાર્થના કરી. ત્યારે સમુદ્રએ પ્રસન્ન થઈને દેવતાઓને વરદાન માંગવા કહ્યું. ફરી દેવતાઓએ સ્તુતિ કરીને માંગ્યું કે, ગિરિ ઇન્દ્રના ભયથી આપના જળમાં પેસી ગયો છે, તેને મુક્ત કરાવવા આપ પાંચ જોજન દૂર જાવ. સમુદ્રના વચન પ્રમાણે તે પાંચ જોજન (આશરે 65 કિલોમીટર) દૂર ગયો અને ગિરિ જળથી અલગ થયો.
કહેવાય છે કે, ગિરનાર પર્વત પર તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. આથી જો ગિરનાર પર્વતની પરિક્રમા કરવામાં આવે તો, તેત્રીસ કરોડ દેવતાની પૂજા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
પુરાણ કથા અને ધાર્મિક માન્યતા અનુસાર બહેન સુભદ્રાજીના લગ્ન માટે ભગવાન શ્રીકૃષ્ણ અને બળદેવજીએ સૌપ્રથમ વખત ગિરનારની પરિક્રમા કરી હતી. દેવઉઠી એકાદશી થી પૂનમ સુધી ભગવાને ગિરનારના જંગલમાં વિચરણ કર્યું હતું અને રાત્રી રોકાણ પણ કર્યું હતું, એ પરંપરા આજે પણ અકબંધ રહી છે.
ગિરનારની પરિક્રમા પ્રથમ દિવસે
પ્રથમ દિવસે જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.
ગિરનારની પરિક્રમા બીજા દિવસે
બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.
ગિરનારની પરિક્રમા ત્રીજા દિવસે
ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખૂબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.
ગિરનારની પરિક્રમા ચોથા દિવસે
ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલુ છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.
ગિરનારની પરિક્રમા છેલ્લા અને પાંચમા દિવસે
છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.